"લોકસમુદાય" એટલે રીતિ-રિવાજો અને પરંપરા ધરાવતો માનવસમૂહ. આધુનિક મત પ્રમાણે જેમનો જીવનને જાણવા,માણવા અને જોવાનો અભિગમ સમાન છે એવો સામાજિક સમૂહ. મનુષ્યની ગળથૂથીમાંથી સિંચાઈ આવેલા સંસ્કારોમાં જ્ઞાતિ-જાતિમાં થોડા ઘણાં પરિવર્તનો આવે છે અને લોકસંસ્કૃતિના બહુમૂલ્ય ગુણોની ઝાંખી ગુજરાતમાં અનેક સ્થળોએ જોવા મળે છે. ગુજરાતની ભૂમિ અનેક લોક સમુદાયોનું સંગમ સ્થળ રહેલું છે. ગુજરાતની ભૌગોલિકતાના કારણે અસંખ્ય જાતિઓ રીતિ–રિવાજો, પહેરવેશ અને આભૂષણ, સાહિત્ય, સંગીત, નૃત્યકલા, જળ અને જમીન માર્ગે ગુજરાતમાં આવીને વસી હતી. આમ, ગુજરાતમાં ખાનપાનની રીતો, દેવીદેવતાઓ, ભાષાઓ અને બોલીઓમાં વિવિધતા જોવા મળે છે.
૧. મેર
'મેર' અને 'મહેર' શબ્દનો પરંપરાગત અર્થ 'મુખી' કે 'આગેવાન' થાય છે. સમયાંતરે આ શબ્દ વર્ગ કે જાતિસૂચક બન્યો છે. આ સમુદાય મૂળ પંજાબથી રાજપૂતાના માં અને ત્યાંથી ગુજરાતમાં આવ્યો હતો. જેઓ મૈત્રક—મિહિર–મહેર–મેર નામથી બરડો ડુંગરની આસપાસના વિસ્તારમાં વસ્યા હતા. બરડા વિસ્તારના દરેક ગામમાં ઓછા-વત્તા મેર સમુદાય વસવાટ કરે છે.
મૈત્રકકાળમાં સિંધમાં સૈંધવનામની પ્રજા સાથે મેર જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. સિંધમાં વસવાટ કરનારી સૈંધવપ્રજા અરબોના આક્રમણને કારણે ગુજરાતમાં આવીને વસી અને ઘૂમલી(દેવભૂમિ દ્વારકા)ને પોતાની રાજધાની બનાવી હતી. મેર પ્રજા સ્વમાની, જવાંમર્દ અને શક્તિશાળી છે. મેર પ્રજા સંગઠિત થઈ, એક બનીને પ્રાકૃતિક ગુજ઼ોને રચનાત્મક અને સર્જનાત્મક માર્ગે વાળી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આગળ આવી રહી છે. આ જાતિ મુખ્યત્વે પોરબંદર, જૂનાગઢ અને જામનગરમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. વર્તમાનમાં પોરબંદર જિલ્લામાં તેમની વ્યાપક વસતી છે.
કલા
મેર લોકોના દાંડિયારાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. રાસ લેતી વખતે ખેલૈયાઓ તેમના કપડાં પર ગુલાલ છાંટી એક અનેરું દ્રશ્ય નિર્માણ કરે છે. મેર રાસમાં ચગે ત્યારે પરસ્પર દ્વન્દ્વ યુદ્ધમાં ઊતર્યા હોય એવા લાગે છે. આ રાસમાં ઢોલ અને શરણાઈઓ વાગે છે.આમ, મંગળ પ્રસંગ અને વીર રસના પ્રસંગોનો સમન્વય કરીને મેર પ્રજાએ રાસની વિલક્ષણતા બતાવી છે. લગ્ન અને શુભપ્રસંગોમાં આ સમુદાયની સ્ત્રીઓ ભીંત અને ગોખલામાં પશુપંખીનાં ચિત્રો દોરે છે. મેર લોકોનું શૌર્યનૃત્ય 'ઢાલ તલવાર' અને 'મણિયારો' જાણીતું છે.
ઉત્સવો
મેર સમુદાયમાં હોળી, ધૂળેટી, દિવાળી, શીતળા સાતમ અને જન્માષ્ટમી મહત્વના તહેવારો છે. તહેવારો દરમિયાન મર્દાનગીભરી રમત રમવાનો રિવાજ પણ આ સમુદાયમાં જોવા મળે છે. બળેવના દિવસે હળના આકારનો લાકડાનો એક નમૂનો બનાવી ગામનો ગોર એક સ્થળે આ નમૂનો પકડીને ઊભો રહે છે અને મેર જુવાનિયાઓ દૂરના સ્થળેથી દોડ લગાવીને ગોરના હાથમાંથી આ હળ લઈ લે છે. આ હળને 'હિરડી' કહેવામાં આવે છે. હોળીના તહેવારમાં મેર યુવાનો નાળિયેરની રમત રમે છે.
જીત-રિવાજો
મેર સમુદાયના સામાજિક રીતિ–રિવાજો હિન્દુ પરંપરા મુજબના છે. મેર સમુદાયની લગ્નવિધિમાં વરરાજા હાજર હોવા છતાં 'ખાંડા' સાથે ફેરા ફેરવવાની પરંપરા પણ જોવા મળે છે.
આ સમુદાયમાં ઘોડિયા કે બાળલગ્ન જોવા મળતાં નથી. સ્ત્રીઓ સોનાના ઘરેણાં મોટા પ્રમાણમાં પહેરે છે. પુત્રીના જન્મથી ઘરે લક્ષ્મી અવતર્યાનો આનંદ માણવામાં આવે છે.
પહેરવેશ
મેર પુરુષો ચોરણી અને કેડિયું પહેરે છે. માથા પર 'દરબારી ઠાઠની પાઘડી' અથવા 'ઊનની ઊંચી ટોપી' પહેરે છે અને ખભે ખેસ નાખે છે. કમરે ભેટ બાંધેલો મેર પુરુષ શૌર્યવંતો દેખાય છે. પુરુષોની ચોરણીમાં ઘેર ઓછો જોવા મળે છે. મેર સમુદાયમાં ખાદીના વસ્ત્રો પહેરવામાં આવે છે.
પાળિયા
મેરમાં શૂરવીરોના પાળિયા અને ખાંભીઓ આજે પણ જોવા મળે છે. તેના પર નૈવેદ્ય અને સિંદૂર ચઢાવી ધૂપદીપ કરવામાં આવે છે. મેર જ્ઞાતિમાં દેશ, સમાજ કે પ્રાણીઓની રક્ષા માટે યુદ્ધ કરતા કરતા શહિદ થાય તેની યાદમાં પાળિયા જોવા મળે છે. આ સમાજ તેમની વીરતાની યાદમાં પૂજા અર્ચના કરે છે.
ધાર્મિક માન્યતાઓ
દરેક કુટુંબ દીઠ પોતાની અલગ-અલગ કુળદેવીઓને માને છે. કુળદેવીઓમાં મુખ્યત્વે ચામુંડા, વાઘેશ્વરી, હર્ષદ, ખોડિયાર વગેરેનો સમાવેશ થાય છે. મેર જાતિમાં માતા લીરબાઈ અને માતા રામબાઈ સતી તરીકે જાણીતા થયા છે.
૨. આહિર
સંસ્કૃતમાં 'આહિર'નો અર્થ 'ગાયોનું ધણ' એવો થાય છે અને આ વર્ગનો મુખ્ય વ્યવસાય ગાયોનું પાલન હોવાથી તેઓ 'આહિર' તરીકે ઓળખાયા છે. સૌરાષ્ટ્રમાં આહિરને 'આયર' તરીકે પણ સંબોધવામાં આવે છે. આયર એ આર્ય શબ્દનો અપભ્રંશ છે.
આહિરોની ઉત્પત્તિના મૂળ એ ચંદ્રવંશી યદુકુળના યાદવો સાથે સંકળાયેલા હોવાનું પુરાણો દ્વારા જાણવા મળે છે. ઉત્તરપ્રદેશમાં ગોકુળ અને મથુરાની આજુબાજુના વિસ્તારમાં આહિર કે યાદવ તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશમાં ગૌંડ આહિર, મહારાષ્ટ્રના ખાનદેશી આહિર, નવસારી તરફ ભરવાડની પેટા જાતિ ગણાય છે. એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે જે ગોપ–ગોપીઓ સાથે રાસલીલા કરી હતી તે આ પ્રજા છે. રાસ એ મૂળ ગોપ સંસ્કૃતિનો વા૨સો છે અને આહિરો ગોપ સંસ્કૃતિના વંશજો હોવાથી આ સમુદાયમાં રાસનો વારસો જળવાઈ રહ્યો છે.
અન્ય એક માન્યતા મુજબ શ્રીકૃષ્ણ સાથે મથુરાથી દ્વારકા જઈ વસેલા હતા પણ રસ્તામાં પાંચેક સ્થળોએ સાથે આવેલા કુળો રોકાઈ ગયા હતા. જે સમયાંતરે ક્રમશઃ મચ્છુ કાંઠા તરફ ગયા તે મચ્છોયા આહિર, સોરઠ તરફ વળ્યાં તે સોરઠિયા આહિર, કચ્છમાં વસ્યા તે પ્રાંથળિયા આહિર, નાઘેર જઈ વસ્યાં તે નાઘેરા આહિર અને પાંચાળ જઈ વસ્યાં તે પંચોળી આહિર, વાગડમાં વસ્યાં તે વાગડિયા આહિર, જોધપુરથી આવી વણારમાં વસ્યાં તે વણાર આહિર, ઉત્તર ગુજરાતના સાંતલપુરના ચોરડમાં જઈ વસ્યાં તે ચોરડા આહિર તરીકે ઓળખાયા.
પહેરવેશ
ખમીરવંતી સમુદાયને શોભે એવો આ લોકોનો પહેરવેશ છે. શરીરે પાસાબંધી કેડિયું, નાડીવાળી ચોરણી, માથે વળ ચડાવેલી પાઘડી, ખભે ખેસ, પગમાં દેશી ઘાટના ફુદડીવાળા જોડા એમનો મુખ્ય પોશાક છે. આહિરો ખભે ખેસ રાખે, સોરઠિયા આહિરો ખભે કાળી પછેડી પણ રાખે છે. મચ્છુઆ આહિરોમાં તો માત્ર હાથે કાતેલું પાણકોરું જ પહેરવામાં આવે છે. લગભગ આહિરોમાં કમરે ભેટ બાંધવાની પ્રથા છે. પાલિતાણા બાજુના આહિરોમાં જુવાનીયા ત્રાંસી ભેટ બાંધે છે.
આહિર ભરત
આહિર સમુદાયનું ભરતકામ એમની એક વિશિષ્ટતા તરીકે ઓળખાય છે. આહિર સમુદાયના કપડાંની બનાવટમાં લાલ, લીલી, પીળી અને જાંબુડીયા રંગી અતલસનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. ધર્મ સ્થાને તોરણો તથા ગૃહ શણગાર માટે ચાકળા, ચંદરવા, ઉલેચ, તોડલા તથા આણાંનાં વસ્ત્રોમાં ભરતગૂંથણ કરી તેમાં આભલાં, ચાંદલા, મોતી ટાંકી તૈયાર કરવા તથા નાના બાળકો માટે નતિયા ટોપી, આંગડી, ચોરણી તથા બાળકીની ઘાઘરીમાં ચૂડા, પોપટ, મોરલા વગેરેની આકૃતિઓ, સ્ત્રીઓના કમખાં, ઓઢણાં વગેરેમાં આરી ભરત અને આભલાં તથા પુરુષોના પોશાકમાં ભરતકામ જોવા મળે છે. આયરાણીઓ પોતાના કપડાંની બાંયોમાં સુંદર રીતે આભલાં ભરે છે. આયરાણીઓ દ્વારા કરવામાં આવતું ભરતગૂંથણ, મોતીકામ, આભલાં ભરત અને હીર ભરત જેવી જુદી જુદી કળાઓ આ સમુદાયની આગવી વિશેષતા છે.